



– ભાજપ ખેડૂતો સાથે લડી લેવાના મૂડમાં, દેશમાં 700 ખેડૂત સભા યોજશે
– ટૂકડે-ટૂકડે ગેંગ ખેડૂત આંદોલનને ઓવરટેક કરવામાં લાગી, સિંધુ બોર્ડર પર ખાલિદ સહિતના આરોપીઓના પોસ્ટરથી વિવાદ
કૃષિ કાયદાઓ વિરૂદ્ધ ખેડૂતોનું આંદોલનના 16 દિવસ પૂરા થઈ ગયા છે. આ વચ્ચે ટિકરી સરહદ પર રાજદ્રોહના આરોપમાં પકડાયેલા શરજીલ ઈમામ, ઉમર ખાલિદ સહિત અને અનેક આરોપીઓના પોસ્ટર અને તેમની મુક્તિની માગણીની તસવીરો વાયરલ થઈ રહી છે. આવા સમયમાં ગુપ્તચર એજન્સીએ કેન્દ્રને એક રિપોર્ટ આપ્યો છે, જેમાં જણાવાયું છે કે ખેડૂત આંદોલન કટ્ટર ડાબેરી જૂથોએ હાઈજેક કરી લીધું છે.
બીજીબાજુ ભાજપ પણ લડી લેવાના મૂડમાં છે. ભાજપે કૃષિ કાયદાઓ અંગે ખેડૂતોમાં જાગૃતિ લાવવા સમગ્ર દેશમાં વ્યાપક અભિયાન હાથ ધરવાની યોજના બનાવી છે, જેને પગલે ભાજપ દેશમાં 700થી વધુ ખેડૂત સભા યોજશે. ગુપ્તચર એજન્સીના સૂત્રો મુજબ અલ્ટ્રા-લેફ્ટ નેતાઓ અને પ્રો-લેફ્ટ વિંગના કટ્ટર તત્વોએ ખેડૂત આંદોલન હાઈજેક કરી લીધું છે.
એ બાબતના વિશ્વનીય ગુપ્તચર ઈનપુટ છે કે આ તત્વો ખેડૂતોને હિંસા, આગજની અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવા માટે ઉશ્કેરવાની યોજના બનાવી રહ્યા છે. આ સંદર્ભમાં કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે એ બાબતના પુરાવા છે કે ટૂકડા-ટૂકડા ગેંગ ખેડૂત આંદોલનને ઓવરટેક કરવામાં લાગી છે. આ એક ભયાનક રીત છે.
કદાચ આ લોકોના કારણે જ ખેડૂત સંગઠનો સાથે કેન્દ્રની વાટાઘાટો નિષ્ફળ રહી છે. આ લોકો રાષ્ટ્રની સંપ્રભૂતા માટે હાનિકારક છે. સરકાર ખુલ્લા મનથી વાટાઘાટો માટે તૈયાર છે, પરંતુ સંગઠનો તરફથી કોઈ પ્રતિક્રિયા નથી આવી રહી. આવી સિૃથતિ ક્યારેય જોવા નથી મળી.
કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે પણ જણાવ્યું હતું કે, ખેડૂતોના વેષમાં અસામાજિક તત્વો ખેડૂત આંદોલનનું વાતાવરણ બગાડવાનું કાવતરૂં રચી રહ્યા છે. ખેડૂૂત ભાઈઓને આગ્રહ છે કે તેઓ આ અસામાજિક તત્વોને પ્લેટફોર્મ પૂરૂં ન પાડે. ખેડૂત દેખાવકારોએ વિવિધ આરોપો હેઠળ જેલમાં કેદ લોકોની મુક્તિની માગણી કરી છે, જે ખતરનાક છે. આ મુખ્ય મુદ્દાથી લોકોનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ છે.
દરમિયાન કૃષિ કાયદાઓને રદ કરવા પર મક્કમ ખેડૂતોનું વલણ જોઈને ભાજપ પણ હવે ખેડૂતો સામે લડી લેવાના મૂડમાં છે. ભાજપે સમગ્ર દેશમાં અલગ અલગ જગ્યાએ 700થી વધુ પંચાયતોનું આયોજન કર્યું છે. આ પંચાયતો મારફત ખેડૂતોને કૃષિ કાયદાના ફાયદા અંગે જણાવાશે અને ખેડૂતોને એ સમજાવવાનો પ્રયાસ થશે કે નવા કૃષિ કાયદા કેવી રીતે તેમના માટે લાભદાયક સાબિત થશે.
ભાજપ તેના આ અભિયાન દરમિયાન દેશમાં 100થી વધુ જગ્યાઓ પર સંમેલન કરશે. કૃષિ કાયદા અંગે તાજેતરમાં જ એક બૂકલેટ જાહેર કરાઈ છે. વધુમાં ખેડૂત આંદોલનો સામે વડાપ્રધાન મોદીએ પોતે જ મોરચો સંભાળ્યો છે. વડાપ્રધાને આ કાયદાઓ અંગે ખેડૂતોમાં જાગૃતિ ફેલાવવાનું કામ હાથમાં લીધું છે.
વડાપ્રધાન મોદી નવા કૃષિ કાયદાઓ અંગે અત્યાર સુધીમાં 25થી વધુ વખત બોલી ચૂક્યા છે. સરકારે કાયદાઓમાં સુધારા કર્યા છે. સુધારાની જાહેરાત પહેલાં કૃષિ નિષ્ણાતો, પૂર્વ અિધકારીઓ, ખેડૂત સંગઠનો, ઉદ્યોગપતિઓ સાથે ચર્ચા કરાઈ.
ખેડૂત આંદોલનો વચ્ચે કેન્દ્ર સરકારે વેબિનાર અને ટ્રેનિંગ મારફત ખેડૂતોને આ સુધારાઓ અંગે માહિતી આપી. જૂન અને નવેમ્બર 2020 વચ્ચે કુલ 1,37,054 સંપર્ક કરવામાં આવ્યા. વેબિનાર મારફત 92,42,376 ખેડૂતોનો સંપર્ક કરાયો તેમજ ઑક્ટોબરમાં 2.23 કરોડ એસએમએસ પણ કરાયા.