



– આ અગાઉ ત્રણ વ્યકિતની ધરપકડ કરવામાં આવી હતી
– ઇડીએ પીએમએલએ હેઠળ ભાવનગરના નાઇસર કોઠારીની ધરપકડ કરી : કોર્ટે 22 ડિસે. સુધી ઇડીની કસ્ટડીમાં મોકલ્યો
(પીટીઆઇ) નવી દિલ્હી,
ઇડીએ 1100 કરોડ રૂપિયાના ચાઇનિઝ ઓનલાઇન સટ્ટાબાજી કૌભાડ કેસની મની લોન્ડરિંગ તપાસના સંદર્ભમાં એક ક્રિપ્ટોકરન્સી ટ્રેડરની ધરપકડ કરી છે તેમ કેન્દ્રીય તપાસ એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ(પીએમએલએ)ની વિવિધ કલમો હેઠળ ગુજરાતના ભાવનગરનો રહેવાસી નાઇસર કોઠારીની ધરપકડ કરવામાં આવી છે.
ધરપકડ કર્યા પછી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેને 22 ડિસેમ્બર સુધી ઇડીની કસ્ટડીમાં મોકલી દીધો છે. ઓગસ્ટ મહિનામાં ઇડીએ દેશના વિવિધ ભાગોમાં કેટલીક કંપનીઓ, તેમના ડાયરેક્ટરો, ચાર્ટડ એકાઉન્ટ્સના પરિસરોમાં દરોડા પાડયા હતાં. આ તમામ પર ચાઇનિઝ ઓનલાઇન સટ્ટાબાજી કૌભાંડમાં સંડોવણી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે કોઠારીએ આરોપી કંપની માટે યુએસડીટી ક્રિપ્ટોકરન્સીની ખરીદી કરી હતી અને અને તેને ફોરેન એક્સચેન્જ પર અજાણ્યા વોલેટમાં ટ્રાન્સફર કર્યા હતાં.
ઇડીએ તેલંગણા પોલીસની એફઆઇઆરને આધારે પીએમએલએ કેસ દાખલ કર્યો હતો. તેલંગણા પોલીસે ડોકપે ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ, લિંકયુન ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ અને અન્ય વિરૂદ્ધ એફઆઇઆર દાખલ કરી હતી.
આ સંબધમાં પોલીસે ચીનના એક નાગરિક સહિત કુલ ત્રણ લોકોની ધરપકડ કરી હતી. આ ત્રણેયની પછીથી ઇડી દ્વારા એન્ટી મની લોન્ડરિંગ કયદાની ક્રિમિનલ જોગવાઇ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. સટ્ટાબાજીની એપ્લિકેશનમાં રોકાણ કરીને નાણા ગુમાવનાર એક વ્યકિતની ફરિયાદને પગલે પોલીસે એફઆઇઆર દાખલ કરી હતી.