



- ભરૂચમાં એક ઇંચ, અંકલેશ્વરમાં 19 મિમી સૌથી વધુ વાલિયામાં સવા ઇંચ વરસાદ
- પાક પર લાગેલા ફૂલ ખરી પડ્યાં, હવે ખેડૂતોને જંતુનાશક દવાનું આર્થિક ભારણ પણ વધશે
- ખેતરોમાં કપાસ, તુવેર, મગ અને મઠનો ઊભો પાક નિષ્ફળ જવાની ખેડૂતોને ભીતિ
- ભરૂચ અને નર્મદા જિલ્લામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
- સૂસવાટાભેર ફૂંકાયેલા પવનથી ઠંડીનું પ્રમાણ વધ્યું
ભરૂચ સહિત દક્ષિણ ગુજરાત અને સંપૂર્ણ રાજ્યમાં માવઠાને પગલે શુક્રવારે દિવસભર વાદળછાયુ વાતાવરણ નોંધાયુ હતુ. શિયાળામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પડતા પર પાટુની સ્થિતિ આવી છે. ખાસ કરીને ભરૂચ જિલ્લાના ખેડૂતો પર કુદરતી કહેર થંભવાનું નામ નથી લેતો. પૂર-અતિવૃષ્ટિ બાદ હવે શિયાળામાં માવઠાને કારણે ખેડૂતોના પરિસ્થિતિ કપરી બની રહી છે. ગુરૂવાર રાત્રીથી જ ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો. જેમાં વાલિયા તાલુકામાં સૌથી વધુ સવા એક ઇંચ અને ભરૂચમાં પોણા એક ઇંચ વરસાદ નોંધાયો હતો. જેથી પાકના ફૂલો ખરી જવાની સમસ્યા સર્જાશે. ફરી પાકને ઉભો કરવા માટે તેની માવજત કરવા દવાઓનો છંટકાવ કરવાનું આર્થિક ભારણ વધશે. ગુરૂવાર રાત્રેથી શુક્રવાર સુધીમાં ભરૂચના આમોદમાં 7 મિમી, અંકલેશ્વરમાં 19 મિમી, ભરૂચમાં 23 મિમી, હાંસોટમાં 13 મિમી, જંબુસરમાં 11 મિમી, નેત્રંગમાં 6 મિમી, વાગરામાં 17 મિમી, વાલિયામાં 34 મિમી અને ઝઘડિયામાં 7 મિમી વરસાદ નોંધાયો હતો. વરસાદને પગલે ભરૂચ શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઇ જવાના દ્રશ્યો સર્જાયા હતા.
વટારીયા ગણેશ સુગરમાં એક દિવસનું 4500 મેટ્રિક ટન શેરડીનું પિલાણ અટક્યું
વરસાદને કારણે શેરડીના કટીંગ બંધ થયું હતું. જેના પગલે વટારિયા ગણેશ સુગર ફેક્ટરીમાં ક્રસીંગની કામગીરી બંધ કરવાની ફરજ પડી હતી. એક દિવસનું 4500 મેટ્રિક ટન શેરડીનું પિલાણ અટકી ગયું હતું. જ્યારે વાલીયા પ્રભાત સહકારી જીનમાં 4500 કવીંટલ કપાસ અને કપાસિયાનો ઢગલો પડ્યો હતો. જે 2.56 કરોડનો કપાસ બચાવી લેવાયો છે.
એક્સપર્ટ વ્યૂ – ઉઘાડ નીકળ્યા બાદ પાક મુજબ યોગ્ય માત્રામાં દવાનો છંટકાવ કરાશે
ભરૂચ જિલ્લા સહિત રાજ્યભરમાં માવઠાને કારણે ખેતરના ફુલવાળા પાકોને નુકશાન થશે. વરસાદી અને ભેજવાળા વાતાવરણને કારણે ફૂલો ગળી જશે અને આ વાતાવરણ ફૂગ અને જંતુઓ માટે ફેવરેબલ ગણી શકાય. પાકમાં ફૂગ અને જંતુઓનો ઉપદ્રવ વધશે તેને નિવારવા માટે ઉઘાડ નીકળ્યાના એક-બે દિવસમાં પાક મુજબ યોગ્ય માત્રામાં જંતુનાશક અને ફુગનાશક દવાઓનો છંટકાવથી વધુ નુકશાનને ઘટાડી શકાય. – ડો. દિવ્યેશ પટેલ, ખેતી વિશેષજ્ઞ, કૃષિ કોલેજ, ભરૂચ
પાકનું ઉત્પાદન ઘટશે અને હવે પાક મોડો તૈયાર થશે,ખેડૂતો આર્થિક સંટકમાં મુકાશે
કમોસમી વરસાદથી ભરૂચ જિલ્લામાં થતા મગ-મઠ, કપાસ તુવેર સહિત શાકભાજીના પાકોને ભારે નુકસાન થયુ છે. ખેડૂતોને પુર-અતિવૃષ્ટિ બાદ હવે કમોસમી વરસાદને કારણે આર્થિક સંકટમાં વધારો થયો છે. ફૂલ ખરી જવાથી હવે નવા ફૂલો આવે ત્યા સુધી ખેડૂતે પાકની માવજત કરવી પડશે.જેથી પાક મોડો થશે.પાકના ઉત્પાદનમાં ઘટાડો થશે અને માર્કેટમાં ભાવ ઓછો મળવાની શક્યતા વધશે. – રણજીતભાઇ ડાભી, ખેડૂત, બેરોલ
શુક્રવારે એક પણ ખેડૂત કપાસ વેચવા ન આવ્યા, પાકના નુકશાનને રોકી શકાયુ
વાલિયાના કપાસ ખરીદ કેન્દ્ર (સીસીઆઇ) પર ઓનલાઇ રજિસ્ટ્રેશન કરાવેલા ખેડૂતોને ગુરૂવાર રાત્રે જ જાણ કરીને જાણ કરી દીધી હતી. રાત્રીથી જ વરસાદને કારણે કપાસ ખરીદ બંધ કરી દેવાયુ હતુ. હવે વાતાવરણ સામાન્ય બનશે ત્યાથી કપાસ ખરીદી શરૂ કરાશે. શુક્રવારે એક પણ ખેડૂત કપાસ વેચવા ન આવ્યા જેથી વરસાદ હોવા છતાં કપાસના તૈયાર પાકને નુકાશાનીથી રોકી
શકાયું છે. – રાકેશ સાયણિયા, ચેરમેન, વાલિયા જીન