



વડગામ તાલુકાના મગરવાડા ગામના એક ખેડૂતે પોતાના પુત્રને પરંપરાગત ખેતીના વ્યવસાય સાથે ન જોડતાં માં ભોમની રક્ષા માટે હળના બદલે હાથમાં બંદૂક પકડાવી છે. આ યુવકે પણ સખત મહેનત બાદ નાની વયે જ પંજાબમાં લેફટનન્ટનું બિરૂદ મેળવી પિતાનું સપનું સાકાર કર્યુ છે. સાથે સાથે વડગામ 11 ગામના ગોળ તેમજ ચૌધરી સમાજને ગૌરવ અપાવ્યું છે.વડગામ તાલુકાના મગરવાડાનો યુવક નાની વયે લશ્કરમાં લેફટનન્ટનું બિરૂદ મેળવ્યું છે. પોતાનો પુત્ર પરંપરાગત ખેતીના વ્યવસાય સાથે ન જોડાઇ મા ભોમની રક્ષા કરે તેવા પિતાના સ્વપ્નને સાકાર થયું છે.
પંજાબ ખાતે ફરજ બજાવતાં વડગામ તાલુકાના મગરવાડાના વતની જયરાજ ચૌધરીએ જણાવ્યું હતું કે, ‘મારા પિતા લક્ષ્મણભાઇ ચૌધરી ખેતી કરી રહ્યા છે. માતા કેશીબેન ચૌધરી વિરપુર સરકારી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવી રિટાયર્ડ થયા છે. મોટી બહેન રૂત્વી ચૌધરી એન્જીનિયર છે. મારા પિતાનું સ્વપ્નું હતું કે, હું લશ્કરમાં અધિકારી બનું જે એમના આર્શિવાદ થકી આજે પુરૂ થયું છે.’ જેને લઇ પોતાના પરિવારમાં અનેરી ખુશી જોવા મળી હતી. મગરવાડા ગામ તેમજ 11 ગામના ગોળ તેમજ સમગ્ર બનાસકાંઠા ચૌધરી સમાજને પ્રેરણાસ્ત્રોત બની સમાજમાં એક આગવી ઓળખ તેમજ પ્રતિભા ઉભી કરી હતી.
જયરાજ ચૌધરીની પરિશ્રમ ગાથા જયરાજે પ્રાથમિક શિક્ષણ ધોરણ 1 થી 5 સુધીનું પાલનપુર વિદ્યામંદિરમાં લીધું હતું. ત્યારબાદ ધોરણ 6 થી 12 સુધી બાલાચડી સૈનિક સ્કૂલ જામનગર ખાતે અભ્યાસ પૂર્ણ કર્યો હતો. અને પ્રથમવાર નેશનલ ડિફેન્સ એકેડમી (એનડીએ)ની પરીક્ષા આપી ઉત્તીર્ણ કર્યા પછી ઈન્ડિયન મિલિટરી (આઈએમએ), દેહરાદૂનમાં લશ્કરને લગતો અભ્યાસક્રમ પોતાની ખંતપૂર્વક, નિષ્ઠાપૂર્વક પૂર્ણ કરી ઝળહળતી પ્રતિભા મેળવી ભારતીય લશ્કરમાં જોડાઈને 22 વર્ષની નાની ઉંમરમાં લેફ્ટનન્ટ તરીકે હોદ્દો મેળવ્યો હતો.