



- 2017થી વિરાટ યુદ્ધ જહાજ મુંબઇ હતુ ત્યારે કોઈને યાદ ન આવ્યુ અને હવે તેને સાચવવા સૌ કોઈ ઘાંઘા થયા છે !
- અલંગમાં પ્લોટ નં.9માં વિરાટને ભાંગવાની કામગીરી પણ શરૂ કરી દેવાઈ છે : જહાજનો 5 ટકા હિસ્સો તો કપાઈ પણ ગયો છે
આઇએનએસ વિરાટ 28મી સપ્ટેમ્બરે અલંગમાં બીચ થયુ છે, હજુ વિવાદ તેનો પીછો છોડવા માટે તૈયાર નથી. બ્રિટનના ટ્રસ્ટ બાદ હવે મહારાષ્ટ્ર સરકારે પણ વિરાટ અંગે તત્પરતા વ્યક્ત કરી છે. મુંબઇની એનવીટેક મરિન કંપનીએ વિરાટને મ્યુઝિયમમાં તબદીલ કરવા પ્રયત્નો કર્યા હતા, મુંબઇ હાઇકોર્ટમાં અપીલ કરી હતી, રક્ષા મંત્રાલય સમક્ષ એનઓસી મેળવવા અથાગ પ્રયત્નો કર્યા પરંતુ તે પણ એળે ગયા.
હવે હર્મિસ વિરાટ હેરિટેજ ટ્રસ્ટ દ્વારા ભારત અને બ્રિટનના વડાપ્રધાનોને પત્ર લખી અને માંગ કરી છે કે, ઐતિહાસિક યુધ્ધ જહાજ આઇએનએસ વિરાટને તેઓ બ્રિટનમાં પરત લઇ જઇ અને મેરિટાઇમ મ્યૂઝિયમમાં તબદિલ કરવા માટે તૈયારી બતાવી છે. દરમિયાનમાં શિવસેનાના સાંસદ અને મહારાષ્ટ્રના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ રક્ષા મંત્રાલયને પત્ર લખી વિરાટ માટેની એનઓસી આપી ઐતિહાસિક યુધ્ધ જહાજને ભાંગતુ બચાવવા માંગ કરી છે.
અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં વિરાટના ભાંગવાની શરૂઆત થઇ ચૂકી હોવા છતા બ્રિટિશ ટ્રસ્ટ, મહારાષ્ટ્ર સરકાર દ્વારા આ યુધ્ધ જહાજને મ્યૂઝિયમ માટે લઇ જવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. હાલ અલંગના પ્લોટ નં.9માં વિરાટના ભાંગવાની શરૂઆત થઇ ચૂકી છે અને જહાજના કુલ હિસ્સાના 5 ટકા હિસ્સો અત્યારસુધીમાં કપાઇ ચૂક્યો છે. શિયાળામાં અલંગમાં 5થી 6 ફૂટ કાદવ-કિચડ હોય છે તેથી વિરાટને પુન: તરતુ કરી અને પરત લઇ જવાની બાબત દિવસે-દિવસે ધુંધળી બનતી જતી હોવા છતા મ્યુઝિયમ માટે પ્રયાસ થઇ રહ્યા છે.
બ્રિટનના વડાપ્રધાનની મુલાકાત અને વિરાટ
હર્મિસ વિરાટ હેરિટેજ ટ્રસ્ટ દ્વારા ભારત અને બ્રિટનના વડાપ્રધાનોને પત્ર લખી અને માંગ કરી છે કે, ઐતિહાસિક યુધ્ધ જહાજ આઇએનએસ વિરાટને તેઓ બ્રિટનમાં પરત લઇ જઇ અને મેરિટાઇમ મ્યૂઝિયમમાં તબદિલ કરવા માટે તૈયાર છે. દરમિયાન બ્રિટનના વડાપ્રધાન 26મી જાન્યુઆરીની ઉજવણીમાં ભારતના મહેમાન બનવાના છે, તે દરમિયાન બંને દેશોના વડાપ્રધાન વચ્ચે પણ વિરાટને પરત લઇ જવાની બાબતો અંગે ચર્ચા કરવામાં આવનાર હોવાનું પણ બિનસત્તાવાર સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યુ છે.