



આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તૈયારીના ભાગરૂપે આજરોજ ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં તથા મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’, ગાંધીનગર ખાતે પ્રદેશ બેઠક યોજાઈ હતી. આજની આ પ્રદેશ બેઠક શરૂ થયાના પૂર્વે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ, રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ તેમજ ભાજપાના અવસાન પામેલા આગેવાનો-કાર્યકર્તાઓને બે મિનિટનું મૌન રાખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
મુખ્યમંત્રી રૂપાણીએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, જનતાનો ભાજપા પરનો વિશ્વાસ અકબંધ છે, બીજી તરફ ભાજપા પાસે બુથસ્તર સુધીનું મજબૂત સંગઠન છે, કાર્યકર્તાઓની વિશાળ ફોજ છે ત્યારે આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સરકારની કામગીરી અને ભાજપાની મજબૂત સંગઠનાત્મક વ્યવસ્થા અને જનતાના સહકારથી ભાજપનો વિજય નિશ્ચિત છે.
રૂપાણીએ જણાવ્યું હતું કે, આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને ભાજપાના કાર્યકર્તાઓ તેમને સોંપાયેલી જવાબદારી સમયબદ્ધતા સાથે પૂર્ણ કરી ચૂંટણીના વિજયને વધુ ભવ્ય બનાવવા માટે યોગદાન આપે. પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલની સુચના અને માર્ગદર્શન પ્રમાણે આજે રાજ્યભરમાં પેજ કમિટીની રચનાનું સરાહનીય કાર્ય થઈ રહ્યું છે, આ વ્યવસ્થાથી પણ ચૂંટણીમાં મોટો લાભ થવાનો છે.
ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે જણાવ્યું હતું કે, ભાજપાના પ્રત્યેક કાર્ય કરતા પાસે ધાર્યું લક્ષ્ય હાંસલ કરવાની ક્ષમતા છે, તેનું તાજું પરિણાંમ આપણે આઠ વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામોમાં જોયું છે, કાર્યકર્તાઓની મહેનતથી વિધાનસભાની પેટાચૂંટણીના પરિણામોનું પુનરાવર્તન સ્થાનિક સ્વરાજ્યની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં થવાનું છે, તેમાં કોઈ શંકા નથી. પાટીલે આગામી ચૂંટણીને અનુસંધાને બુથસ્તરે માઈક્રો પ્લાનિંગ અને વિવિધ સંગઠનાત્મક વ્યવસ્થાપન અંગે બેઠકમાં ઉપસ્થિત સૌને માર્ગદર્શન આપ્યું હતું.