



- કોરોનાને કારણે સ્વાસ્થ્ય સુરક્ષાને લગતો ખર્ચ રૂપિયા 25 કરોડ જેટલો વધુ થશે
- અત્યાર સુધી મતદાનમથક દીઠ 20 હજાર રૂપિયાનું બજેટ હતું
મોંધવારી સામાન્ય માણસને નડી છે તેટલી જ સરકારના ચૂંટણીતંત્રને પણ નડી છે. પાંચ વર્ષમાં ચૂંટણીતંત્રનો ચૂંટણીને લગતો ખર્ચ સવા ગણો વધ્યો છે. આ વખતે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટેનો ખર્ચ મતદાન મથક દીઠ 5000 રૂપિયા વધારી દેવાયો છે. સરકારના નાણાં વિભાગે મતદાન મથક દીઠ ચૂંટણી માટે થતાં 20,000 રૂપિયાના ખર્ચને વધારીને રૂપિયા 25,000ના ખર્ચને મંજૂરી આપી છે.
ગુજરાતમાં 6 મહાનગર પાલિકા, 55 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતો પર ફેબ્રુઆરી માસમાં ચૂંટણી યોજાઇ શકે છે. આ માટે અંદાજે 48,000થી 50,000 મતદાન મથકો ઊભા કરાશે. તમામ મથકનો કુલ ખર્ચ અંદાજે 120થી 125 કરોડ રૂપિયા થશે અને તે છેલ્લે 2015માં યોજાયેલી ચૂંટણી કરતાં પચીસ કરોડ રૂપિયા વધુ હશે તેવું રાજ્ય સરકારના સૂત્રએ જણાવ્યું છે.
જો કે આ 25 કરોડ રૂપિયાના વધારાના ખર્ચમાં બીજો 25 કરોડનો ખર્ચ કોરોનાને કારણે ઉમેરાશે. કારણ કે સોશિયલ ડિસ્ટન્સિંગ અને સ્વાસ્થ્ય વિષયક ખર્ચ મતદાન મથક દીઠ વધારાના 5000 રૂપિયાનો અંદાજાયો છે.