



- સમાન વળતર ચૂકવવાની માંગ સાથે ખેડૂતોએ વાગરાના ધારાસભ્યને રજૂઆત કરી
ભાડભૂત બેરેજ યોજનામાં નદી કિનારાની જમીન સંપાદનના વળતરની અસમાનતાના મુદ્દે સોમવારે વડવા, દશાન,વેરવાડા તથા કુકરવાડાના કિસાનોએ વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોએ સોમવારે વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાને રજૂઆતો કરી હતી. જેમાં સંપાદિત જમીનોનું વળતર જંત્રી પ્રમાણે ચૂકવવાના છે. જેમાં નદી કિનારાના ગામોમાં જંત્રીના ભાવોમાં ભારે અસમાનતા છે. એક જ પટ્ટી પર આવેલા જમીનના જંત્રી ચોમીના રૂા.68, દશાન અને વેરવાડા રૂા.63 છે. જ્યારે કુકરવાડા ગામની જંત્રી રૂપિયા 520 છે.
કાસવા ગામની જંત્રીના પણ 513 છે.નદી કિનારાના ગામોની ફળદ્રુપ જમીનોની જંત્રી ઓછી છે. જેથી વડવા, દશાન અને વેરવાડાના કિસાનોને ઓછું વળતર મળશે. જ્યારે કુકરવાડા અને કાસવા કિસાનોને પણ વધુ વળતર મળશે. જ્યારે વડવા, દશાન અને વેરવાડાના કિસાનો સાથે અન્યાય થશે.ભાડભૂત બેરેજ યોજનાની ટેકનીકલ માહિતી પણ બહાર પડાતી નથી.જેને લઈ નદી કિનારાના ગામોના કિસાનો મૂંઝવણમાં હોવાનો આક્ષેપ કિસાનોએ કરી યોગ્ય વળતર નહીં ચૂકવાય તો તેમની જમીન આપશે નહીં તેવો હુંકાર પણ તેમણે કર્યો હતો.
ખેડૂતોની રજુઆત બાબતે ધારાસભ્ય અરૂણસિંહ રણાએ જણાવ્યું હતું કે એક સપ્તાહ પહેલા જ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને લેખિત અને મૌખિક રજુઆત કરી ખેડુતોને સમાન ધોરણે વળતર ચૂકવાય તે માટે માંગ કરી હોવાનું કહ્યું હતું.