



- એક ઓફિસર ગેસ્ટહાઉસમાં વિદેશી દારૂની બોટલો રાખી બહારથી લોકોને બોલાવી મહેફીલ કરતા હતા
અમરેલીના પીપાવાવ પોર્ટના ગેસ્ટ હાઉસમાં કસ્ટમ ઓફિસરો દારૂની મહેફીલ માણી રહ્યાં હતા. ત્યારે જ અમરેલી LCBએ રેડ કરતા ત્રણ કસ્ટમ સુપ્રિટેન્ડેન્ટ ઓફિસર પીધેલી હાલતમાં ઝડપાયા હતા. પોલીસે ત્રણેયની ધરપકડ કરી વિદેશી દારૂની 23 બોટલ કબ્જે કરી છે. તેમજ કાચના ગ્લાસ, મોબાઈલ સહિત 17800 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. અમરેલી જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાયની સીધી સુચનાથી LCBએ કસ્ટમ ગેસ્ટ હાઉસમાં ત્રાટકી હતી. ત્રણેય ઓફિસરો વિરૂદ્ધ પ્રોહિબીશન ધારા હેઠળ કાર્યવાહી કરી આરોપીઓ અને મુદ્દામાલ મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનમાં સોંપ્યો છે.
પીધેલી હાલતમાં ઝડપાયેલા કસ્ટમ વિભાગના ત્રણ આરોપીઓ
1. નિલેશ દિનેશચંદ્ર જોશી (સુપ્રિટેન્ડેન્ટ ઓફિસર, કસ્ટમ વિભાગ-પીપાવાવ પોર્ટ) 2. ભગવાન સહાયભાઈ મીના (સુપ્રિટેન્ડેન્ટ ઓફિસર, કસ્ટમ વિભાગ-પીપાવાવ પોર્ટ) 3. કીરપાનંદન ગુરૂવન (સુપ્રિટેન્ડેન્ટ ઓફિસર, કસ્ટમ વિભાગ-પીપાવાવ પોર્ટ)

નિલેશચંદ્ર ગેસ્ટ હાઉસમાં વિદેશી દારૂનો જથ્થો રાખી લોકોને ભેગા કરી પીઠુ ચલાવતા હતા
અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયએ અમરેલી જિલ્લામાંથી દારૂની બદી દૂર કરવા પ્રોહિબીશનને લગતી પ્રવૃતિ કરતાં ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર રેડ પાડવા સુચના આપી છે. આજે અમરેલી LCBના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે.કરમટા તથા PSI પી.એન.મોરીની આગેવાનીમાં બાતમીના આધારે પીપાવાવ પોર્ટ કોલોનીમાં આવેલા ગેસ્ટ હાઉસના રૂમ નં.1માં રહેતા નિલેષ દિનેશચંદ્ર જોષીને ત્યાં રેડ પાડી હતી. રેડ દરમિયાન ત્રણ અધિકારીઓ પીધેલી હાલતમાં ઝડપાયા હતા. આરોપી નિલેશચંદ્ર વિદેશી દારૂ તથા બહારના દેશનું બિયર લાવીને રાખતા હતા. પોતાના કબ્જા ભોગવટાના રૂમમાં રાખી ઘણા સમયથી લોકોને ભેગા દારૂ પીવડાવી પીઠું ચલાવતા હોવાનું ખુલ્યું હતું.
પોલીસે કબ્જે કરલો મુદ્દામાલ
પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂ બ્લેક ડોગ સ્કોચ વ્હિસ્કીની બોટલમાં આશરે 400 મીલી દારૂ કિંમત રૂપિયા 500, પાણીની બોટલ, કાચના ગ્લાસ 3, વિદેશની કાસ ફ્રેશ કોલ્ડ બ્રેવ્ડ કંપનીના બિયરના ટીન 355 મિલિના કુલ નંગ-23 કિંમત રૂપિયા 2300 તથા મોબાઇલ-3 કિંમત રૂપિયા 15000 મળી, કુલ 17800નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

ત્રણેયે ગેસ્ટહાઉસમાં દારૂની મહેફીલ જમાવી હતીઃ Dysp
Dysp કે.જે. ચૌધરીએ જણાવ્યું હતું કે, LCBનો સ્ટાફ ગત રાત્રે પીપાવવા પોર્ટના ગેસ્ટહાઉસ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે, ગેસ્ટહાઉસમાં કેટલાક શખ્સો દારૂની મહેફીલ જમાવી વિદેશી દારૂ પી રહ્યાં છે. આથી LCBના સ્ટાફે દરોડો પાડ્યો હતો. જેમાં ત્રણ શખ્સો દારૂ પી રહ્યાં હતા અને પોલીસે આ ત્રણેયની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીઓમાં નિલેશચંદ્ર જામનગરના વતની, કીરપાનંદ ગુરૂવન તામિલનાડુના વતની અને ભગવાન મીના રાજસ્થાનના વતની છે. આ ત્રણેય આરોપીઓ પીપાવવ પોર્ટની અંદર કસ્ટમ અધિકારી તરીકે ફરજ બજાવે છે. ગત રાત્રે 11 વાગ્યે આ ત્રણેયે ગેસ્ટહાઉસમાં દારૂની મહેફીલ જમાવી હતી.