



- અગાઉથી બે-ત્રણ પત્ની ધરાવતા મુસ્લિમ યુવાનોને ખાસ હિન્દુ યુવતીઓને ફસાવવા તેમનાં સંગઠનો તાલીમ આપી રહ્યાનો પત્રમાં સળગતો આક્ષેપ
- ઉત્તરપ્રદેશની જેમ લવ-જેહાદ સામે કાયદો બનાવી હિન્દુ અને આદિવાસી યુવતીઓને ટાર્ગેટ બનાવવાના કારસાને રોકવા વસાવાએ કરેલી માગણી
ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ઉત્તરપ્રદેશની જેમ ગુજરાતમાં પણ લવ-જેહાદ સામે કડક કાયદો બનાવવા માટે અને રાજ્યની આદિવાસીપટ્ટીમાં યુવતીઓને વેચાતી અટકાવવા માટે રાજ્યના CM વિજય રૂપાણીને સ્ફોટક પત્ર લખીને રજૂઆત કરી છે. મનસુખ વસાવાએ લવ-જેહાદ મુદ્દે ગંભીર આક્ષેપો પણ લગાવ્યા હતા. તેમના આક્ષેપોને એક તરફ મોટી સંખ્યામાં લોકોનું સમર્થન પણ મળી રહ્યું છે, ત્યારે હવે ભાજપના સાંસદ મનસુખ વસાવાએ લવ-જેહાદ બાદ ગરીબ આદિવાસીઓની છોકરીઓને વેચવામાં આવતી હોવાનો મુદ્દો ઉઠાવતાં ખળભળાટ મચ્યો છે. આ પહેલાં ડભોઇના ભાજપના ધારાસભ્ય શૈલેશ મહેતા(સોટ્ટા)એ ગુજરાતમાં લવ-જેહાદ મુદ્દે કાયદો કડક બનાવવા સરકાર સમક્ષ પોતાની માગ મૂકી હતી.
ગરીબ આદિવાસી દીકરીઓને પ્રલોભન આપીને આદિવાસી સમાજમાંથી વેચવામાં આવે છે
ભાજપના સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ગરીબ પરિવારની છોકરીઓ, જેમાં ખાસ કરીને આદિવાસી ગામડાની છોકરીઓને ગરીબીનો લાભ લઈને ગુજરાતમાં જ્યાં છોકરીઓની અછત છે ત્યાં વેચવામાં આવે છે. આ કામ કરવા માટે પણ એક પ્રકારે મોટે પાયે એજન્ટોની ટીમ સક્રિય છે, જેથી ગરીબ આદિવાસી દીકરીઓને પ્રલોભન આપીને આદિવાસી સમાજમાંથી વેચવામાં આવે છે, જેના પર પણ પ્રતિબંધ લગાવવા કાયદામાં જોગવાઈ કરવા સરકાર સમક્ષ મેં રજૂઆત કરી છે.

હું છેલ્લાં 5 વર્ષથી સતત લવ-જેહાદ અને આદિવાસી છોકરીઓ વેચાતી હોવાના મુદ્દે રજૂઆત કરૂ છું
ભાજપ સાંસદે વધુમાં જણાવ્યું હતું કે હું છેલ્લાં 5 વર્ષથી સતત લવ-જેહાદ અને આદિવાસી છોકરીઓ વેચાતી હોવાના મુદ્દે રજૂઆત કરતો આવ્યો છું, પરંતુ આ મુદ્દાઓનો સોશિયલ મીડિયામાં ઉછાળવાથી હલ આવવાનો નથી. એના માટે સમાજમાં જાગૃતિનું અભિયાન ચલાવવું પડશે.
વચેટિયાઓ વર પક્ષ પાસેથી કમિશન લઈને યુવતીના માતા-પિતાને આપે છે
ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં હાલ પણ આદિવાસીઓની છોકરીઓના કાઠિયાવાડ, મહેસાણા, અમદાવાદ સહિતના અન્ય વિસ્તારમાં લગ્ન કરાવી, લગ્ન કરાવનાર વચેટિયાઓ વર પક્ષ પાસેથી રીતસરનું કમિશન લેતા હોવાનું તથા આ કમિશનમાં યુવતીનાં માતા-પિતાને પણ અમુક હિસ્સો આપતો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
