



- અંકલેશ્વર અને જંબુસરમાં વીજ કંપનીની ટીમોએ સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું
અંકલેશ્વર વીજ નિગમની લોકલ એજન્સીએ અને જંબુસરમાં DGVCLની વિજિલન્સ ટીમોએ વહેલી સવારે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં અંકલેશ્વરમાં 500 થી વધુ મકાનોમાં સર્ચ કરી 10 થી વધુ ગેરરીતિના કેશ ઝડપી પાડ્યા હતા.જયારે જંબુસરમાં અંદાજીત 300થી વધુ મકાનોમાં વીજ ચેકીંગ કરીને 21 ગેરરીતિના કેશ ઝડપી પાડી 5 લાખનો દંડ ફટકાર્યો હતો.
અંકલેશ્વરમાં દક્ષિણ ગુજરાત વીજ નિગમની અંકલેશ્વર ટાઉન કચેરી દ્વારા સપ્તાહમાં એક દિવસ ચાલતા સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન વીજ ટીમે અંકલેશ્વરની જ્યોતિ ટોકીઝ અને તલાવીયા વાડ સહીત આસપાસના વિસ્તારોમાં 6 ઈજનેરની ટીમે વીજ ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં ટીમે 500 થી વધુ વીજ કનેક્શન ચેક કરતા 10 થી વધુ વીજ જોડાણમાં ગેરરીતિ જોવા મળી હતી. જેમના મીટર જપ્ત કરી વીજ નિગમે દંડનામત્મક કાર્યવાહી આરંભી હતી. તેમજ જપ્ત કરેલ વીજ મીટરને ચેકિંગ કરવા માટે લેબ માં મોકલી આપ્યા હતા.
બીજી તરફ મંગળવારના રોજ વહેલી સવારે જંબુસર નગરમાં પણ સુરત, વલસાડ, તેમજ ભરૂચ વિજિલન્સની DGVCL ની અલગ અલગ 35 જેટલી ટીમોએ પોલીસને સાથે રાખી વીજ ચેકીંગ હાથ ધર્યું હતું. ટીમે આકસ્મિક કરાયેલા વીજ ચેકીંગમાં 21 જેટલા ગેરરીતિના કેસો ઝડપી પાડી કુલ 5 લાખનો દંડ ફટકાર્યો હતો. અચાનક પડેલા વીજ કંપનીનાં દરોડાઓમાં ગેરરીતિવાળા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.