



- ડાયાબિટીસ, બીપી, કિડની, મેદસ્વિતાથી પીડાતા લોકોને સાજા થયા પછી પણ ફંગસનું સૌથી વધુ જોખમ
- પ્રારંભિક લક્ષણો માત્ર શરદીના, પણ અઠવાડિયામાં જ ગાંઠ થઈ જાય છે
કોરોનાથી સાજા થયેલા પરંતુ અનકન્ટ્રોલ્ડ ડાયાબિટીસ, કિડની, હાઈપરટેન્શન અને મેદસ્વિતાથી પીડાતા લોકોએ વિશેષ તકેદારી રાખવાની જરૂર છે. આવી મલ્ટિપલ બીમારી ધરાવતા કોરોનાથી સાજા થયેલા લોકોમાં લોહીની નળીઓમાં લોહી ગંઠાઈ જવાથી આંખ, નાક અને મગજનાં હાડકાંને કોરી ખાતી મ્યુકોરમાઇકોસીસ નામની બીમારીનું જોખમ છે. અમદાવાદ સિવિલમાં કોરોનાથી સાજા થયેલા અને વિવિધ બીમારીઓથી પીડાતા 44 દર્દી મ્યુકોરમાઇકોસીસનો ભોગ બન્યા છે, જેમાંથી 9નાં મોત થયાં છે.
સિવિલ હોસ્પિટલનાં ઇએનટી યુનિટ 1નાં વડા ડો. બેલાબેન પ્રજાપતિએ જણાવ્યું કે, દર્દીને શરદી, થોડા સમય પછી નાક બંધ થવું તેમ જ અઠવાડિયા બાદ નાકમાં ગાંઠ થવાનો અહેસાસ થાય છે. દર્દી ઈલાજ માટે આવે ત્યારે નાકમાં ગાંઠ જોવા મળે છે. આ બીમારીની સીધી અસર દર્દીની આંખ અને મગજ પર થતી હોય છે, જે દર્દીનાં અંગોમાં કેન્સર કરતાં પણ ઝડપથી પ્રસરે છે.
સામાન્ય ઇન્ફેક્શન બાદ ફંગસ થાય છે
કોરોના થવાને લીધે દર્દીની લોહી નળીમાં લોહીના ગઠ્ઠા થાય છે તેમ જ કોરોનાના દર્દીને સ્ટેરોઇડ આપવાને કારણે સુગર લેવલ પણ વધી જતું હોય છે, પણ જે દર્દી કોરોનામાંથી સાજા થયા હોય પણ તેમને અનકંટ્રોલ્ડ ડાયાબિટીસ, કિડની, હાઇપરટેન્શન અને મેદસ્વિતાથી પીડાતા હોય તેવા લોકોને નાક અને કાનનું સામાન્ય ઇન્ફેકશન થયા બાદ ફંગસ થાય છે. આ દર્દીમાં અન્ય વ્યક્તિ કરતાં ફંગસનો ગ્રોથ વધુ (એસીડોસીસ) થાય છે, જેથી દર્દીના મોં પર સોજો, શરદી અને નાકમાં કાળાશ દેખાય તો ઇએનટી ડોકટર પાસે તાત્કાલિક તપાસ કરાવવી.
પ્રારંભિક લક્ષણો શું હોય છે?
પ્રારંભિક લક્ષણોમાં દર્દીને માત્ર શરદી થાય છે, જેથી દર્દીને બીમારીની ખબર પડતી ન હોવાથી મોટાભાગના દર્દી એડવાન્સ સ્ટેજમાં સારવાર માટે આવે છે. સિવિલમાં સારવાર માટે આવેલા દર્દીઓમાંથી 19 દર્દીને આંખમાં દેખવાનું ઓછું થયું તેમ જ કેટલાક દર્દીએ દૃષ્ટિ ગુમાવી છે. જ્યારે એક દર્દીમાં બીમારીનો ફેલાવો મગજ સુધી ફેલાયો હોવાનું જાણવા મળ્યું છે. આ બીમારીમાં તાત્કાલિક સારવારને અભાવે વિદેશમાં મૃત્યુદર 50 ટકા જ્યારે સિવિલમાં 20 ટકા જોવા મળ્યો છે.
નાકમાં ફંગસ થતાં ખાડિયાના કોન્સ્ટેબલનું મોત
કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ અન્ય બીમારીઓના કારણે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા વધુ એક ખાડિયામાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ વિરમ દેસાઈનું મૃત્યુ થયું છે. વિરમ દેસાઈનો રિપોર્ટ નેગેટિવ આવતાં તેમને રજા આપવામાં આવી હતી. જોકે ત્યારબાદ તેમને નાકમાં ફંગસ તેમ જ માથામાં દુખાવાની તકલીફ થતા એલિસબ્રિજની હોપ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં બુધવારે વહેલી સવારે તેમનું મૃત્યુ થયું હતું.