



- અત્યંત એસિડયુક્ત પાણી જાહેરમાં વહેતું થતા પર્યાવરણવિદો અને સ્થાનિકોમાં આક્રોષ
- GPCBની મોનિટરિંગ ટીમે સ્થળ પરથી નમૂના લઇ તપાસ શરૂ કરી
અંકલેશ્વર જીઆઇડીસીમાં ફરી એક વખત ખાડીઓમાં કેમિકલયુક્ત પાણી વહેતું જોવા મળ્યું હતું. અત્યંત એસિડિક પાણી જાહેરમાં વહેતું થતાં પર્યાવરણવાદીઓ તેમજ એનજીઓમાં રોષ ફેલાયો હતો. તાજેતરમાં જ જિલ્લામાં થયેલા કમોસમી વરસાદનો લાભ લઈ કોઈ ઉદ્યોગોએ જાહેરમાં કેમિકલયુક્ત પાણી છોડ્યું છે કે કેમ તે અંગે જીપીસીબીને જાણ કરાતાં મોનીટંરીગ ટીમે સ્થળ પર પહોંચી નમૂના લઇને તપાસ આરંભી હતી. જીઆઇડીસીની કેડીલા ઝાયડસની બાજુમાંથી વહેતી ખાડી જે ફાઇનલ પમ્પીંગ સ્ટેશન તરફ જાય છે તેમાં આ પાણી વહેતું જોવા મળ્યું હતું.
અંકલેશ્વર – પાનોલી અને ઝગડીયા જીઆઇડીસીમાં પ્રદુષિત પાણી જાહેરમાં વહેતું હોવાની રોજે રોજ ફરિયાદો સામે આવી રહી છે. અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી કેડીલા ઝાયડસ કંપની પાસેથી વહેતી કાંસમાં કેમિકલ યુક્ત અત્યંત દુર્ગંધ મારતું પ્રદુષિત પાણી વહેતુ જોવા મળ્યું હતું. જે અંગે સ્થાનિક પર્યાવરણવાદીઓ તેમજ એનજીઓને જાણ થતા નારાજગી ફેલાઈ હતી.
એનજીટીના સ્પષ્ટ દિશા નિર્દેશ હોવા છતાં જાહેરમાં પ્રદુષિત પાણી વહેતું થતાં લોકોમાં આક્રોશ ફેલાયો હતો. આ અંગે જીપીસીબીને જાણ થતા તેમની મોનીટંરીગ ટીમે વિવિધ પોઇન્ટ પરથી સેમ્પલ લઇ પૃથ્થકરણ માટે મોકલી આપ્યા હતા. આ દુષિત પાણી કઈ કંપનીમાંથી આવી રહ્યું છે. તે અંગે વધુ તપાસ આરંભી હતી.