



- ભરૂચના દહેજ બાયપાસ રોડ પર શિલ્પી સ્કવેરમાં ધોરણ 12 સાયન્સના ટ્યૂશન ચલાવતા સંચાલક સહિત બેની અટકાયત
- કોરોનાની ગાઇડલાઇનના ઉલ્લંઘનનો સંચાલક સામે ગુનો નોંધાયો
ભરૂચના દહેજ બાયપાસ રોડ પર આવેલા શિલ્પી સ્કવેરમાં અડધું શટર બંધ કરી ધો. 12 સાયન્સના 40 વિદ્યાર્થીઓના ક્લાસ ચલાવતા ઇન્ટેલિજન્સ કલાસીસ પર એ ડિવિઝન પોલીસે દરોડો પાડી શિક્ષિકા અને ટ્યૂશન સંચાલકને રંગે હાથે ઝડપી પાડ્યા હતા.નાના રૂમમાં 1 બેન્ચ પર બેસેલા 3 છાત્રો પોલીસને જોઈ ગભરાઇ ગયા હતા.
ભરૂચમાં કોરોનાના વધતા કેસોને લઇને આરોગ્ય તંત્રે સોશિયલ ડિસ્ટન્સિ અને માસ્ક ફરજીયાત પહેરવાની અપીલ કરી રહ્યું છે. દરમિયાન ભરૂચના દહેજ બાયપાસ રોડ ઉપર શિલ્પી સ્કવેરમાં ઓલ ઇન્ડિયા કોમ્પ્યુટર એજ્યુકેશન સેન્ટરમાં બુધવારે સાંજે સરકારની ગાઈડલાઈનનો ભંગ કરી અડધું શટર પાડી ધો.12 સાયન્સના ટ્યૂશન કલાસીસ ચાલવતા હોવાની એ ડિવિઝન પોલીસને માહિતી મળી હતી. જેના આધારે પોલીસ સ્થળ પર પહોંચતા ક્લાસીસનું શટર અડધું બંધ હતું.જે ખોલાવતા જ અંદર 40 વિદ્યાર્થીઓ નાના રૂમમાં ભણતા નજરે પડ્યા હતા.
એક બેન્ચ પર સોશિયલ ડિસ્ટન્સ વગર 3 બાળકોને બેસાડાયા હતા.પોલીસની હાજરીથી વિદ્યાર્થીઓ ગભરાઈ જવા સાથે કેટલાક બાળકોએ માથા બેન્ચ પર મૂકી દીધા હતા તો કેટલાક બેન્ચની નીચે બેસી ગયા હતા.પોલીસની આવતા ઇન્ટેલિજન્સ ક્લાસીસના 2 શિક્ષકો ત્યાં હતા.
વિજ્ઞાન પ્રવાહના આ ક્લાસિસમાં મેથ્સ અને કેમેસ્ટ્રી અને ફિઝિક્સ છાત્રોને 2 શિક્ષકો ભણાવી રહ્યા હતા.એ ડિવિઝન પોલીસે ટ્યુશન સંચાલક રજનીકાંત છોટાલાલ પટેલ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ગેરકાયદે ચાલી રહેલા ટ્યૂશન કલાસીસ ઝડપાયા હોવાની જાણ થતાં જ ત્યાં ભરૂચ ટ્યુશન કલાસીસ એસોસિયેશનના અન્ય આગેવાનો પણ દોડી આવ્યા હતા.
ખબર ના પડે એટલે શિલ્પી સ્કવેરમાં ક્લાસીસ ચલાવવામાં આવતા હતા
ઇન્ટેલિજન્સ કલાસીસ કલાસીસ મુખ્ય શક્તિનાથ આવ્યા છે.જોકે કોવીડના જાહેરનામાના કારણે બીજા કોઈને ખબર ન પડે તે માટે ક્લાસીસ શિલ્પી સ્કવેરમાં ચલાવવામાં આવતા હતા.પોલીસે કોવિડ-19 ના ભંગ બદલ રંગેહાથ ઝડપાયેલા બન્ને ક્લાસિસના શિક્ષકોની ધરપકડ કરી હતી.જ્યારે વિધાર્થીઓને તેઓના વાલીઓને બોલાવી જવાબો લઈ જવા દેવાયા હતા.