



- સુરત ખાતે રહેતાં નિલેશ ગાંગાણીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી…
કેયુર પાઠક, અંકલેશ્વર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલ હોટલ સર્વોત્તમના રૂમમાંથી સુરતના યુવાનનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. શેરબજારમાં નુકશાન જતાં યુવાને આ પગલું ભર્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
સુરતના વરાછા વિસ્તારની કેશવપાર્ક સોસાયટીમાં રહેતા 35 વર્ષીય નીલેશ ગાંગાણીએ અંકલેશ્વરની હોટલમાં ગળે ફાસો લગાવી આપઘાત કરી લીધો હતો. નિલેશે ગતરાત્રિના હોટલમાં રૂમબુક કરાવ્યો હતો અને હોટલ સ્ટાફને સવારે 6 વાગ્યે ઉઠાડવાનું જણાવી રૂમમાં સૂઈ ગયા હતા. આજે સવારે હોટલ સ્ટાફ તેઓને ઉઠાડવા જતાં રૂમ ખૂલ્યો ન હતો આથી પોલીસને જાણ કરવામાં આવી હતી.
અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે આવી રૂમનો દરવાજો ખોલતા યુવાનનો મૃતદેહ પંખા સાથે ગળે ફાંસો લગાવેલી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહને નીચે ઉતારી પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડયો હતો. બનાવની જાણ થતાં જ સુરત ખાતે રહેતા તેના પરિવારજનો પણ અંકલેશ્વર દોડી આવ્યા હતા. પોલીસની પ્રાથમિક પૂછતાછમાં પરિવારજનોએ જણાવ્યુ હતું કે યુવાનને શેરબજારમાં દેવું વધી ગયું હતું ત્યારે યુવાને આ કારણથી આ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું લાગી રહ્યું છે જો કે પોલીસ બનાવની વધુ તપાસ ચલાવી રહી છે.