



‘અમે બપોરે જમીને રોજની જેમ આરામ કરી રહ્યાં હતા. કે અચાનક ધુમાડો થવા લાગ્યો. અમે કંઈ સમજી ન શક્યા. થોડી જ વારમાં આગ.. આગના બુમ-બરાડા સંભળાયા. અમે કંઈ સમજી શકીએ તે પહેલાં તો અન્ય લોકો આમતેમ ભાગવા લાગ્યા. ત્યારે અમારા સુપરવાઈઝર વિપિને બુમ પાડીને કહ્યું કે નીકળો અહીંથી… આગ સીડીઓ તરફ ફેલાઈ રહી હતી. વિપિન અમારી પાસે ઝડપથી આવ્યા અને બાલકનીમાં અમને લઈ ગયા. જે બાદ અમે આઠમાંથી 6 લોકોએ ચોથા માળે છલાંગ લગાવી દિધી. ઊંચાઈ પર પડવાને કારણે એકના પગમાં ઈજા થઈ. અમે જીવન બચાવીને સીડીઓ પરથી નીચે આવી ગયા.’
સાંજે છ વાગ્યા ત્યાં સુધી અમારા સુપરવાઈઝરની કોઈ જ ભાળ ન મળી. તેમનો મોબાઈલ પણ બંધ હતો. અમે ગભરાઈ રહ્યાં હતા. બાદમાં માહિતી મળી કે તેઓ આગમાં હોમાય ગયા છે. અમે સુરક્ષિત બહાર કાઢ્યા બાદ તેઓ આગની જ્વાળામાં ઘેરાઈ જતા મોતને ભેટ્યા. મને રાત્રે 9 વાગે ખબર પડી કે સુપરવાઈઝર નથી રહ્યાં.
સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયામાં લાગેલી આગના અન્ય એક સાક્ષી સુધાંશુ કુમારે આ વાત કરી. અહીં બપોરે 2.15 વાગ્યે ટર્મિનલ 1ના ચોથા અને પાંચમા માળે આગ લાગવાથી પાંચ મજૂરોના મોત નિપજ્યા. આગ સૌથી પહેલાં M3 બિલ્ડિંગના 5માં માળે લાગી હતી. થોડી વાર પછી આગે ચોથા માળે ફેલાઈય દૂર્ઘટના વખતે ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં રહેતા સુધાંશુ કુમાર પોતાના 8 સાથીઓની સાથે લંચ પછી આરામ કરી રહ્યાં હતા.

પાંચ કલાક સુધી પોતાના સાથીઓ અંગે કોઈ જ જાણકારી ન મળી
સુધાંશુએ વધુમાં જણાવ્યું કે, ‘સીરમના મેઈન ગેટ પર જઈને ખ્યાલ આવ્યો કે સુપરવાઈઝર વિપિન સરોજ (20) અને રમા શંકર (21) ફસાયા છે. તેમના નંબર પણ બંધ આવતા હતા અને ખ્યાલ ન હતો કે તેમની સાથે શું થયું. અંદરથી કોઈ જાણકારી પણ આપતા ન હતા. અમે તમામ પ્રતાપગઢના રહેવાસી છે અને હવે તેમના ઘરેથી પણ ફોન આવતા હતા.’ સુંધાશુએ સાંજે 6 વાગ્યે વાત કરી એટલે કે પાંચ કલાક પછી પણ તેઓને તે ક્લિયર ન હતું કે તેમના સાથીઓનું શું થયું. રાત્રે 9 વાગ્યે તેમના બંનેના મોતની સત્તાવાર માહિતી મળી.
બાદમાં પ્રશાસને એક લિસ્ટ જાહેર કર્યું, જેમાં તે પુષ્ટિ કરવામાં આવી કે વિપિન અને રમા શંકરનું મોત આગમાં દાજી જવાથી થયું છે. આ ઉપરાંત બિહારના રહેવાસી સુશીલ પાંડે અને પુણેના રહેવાસી મહેન્દ્ર ઈંગલે અને પ્રતીક પશ્તેનું પણ મોત નિપજ્યું છે. સુધાંશુના જણાવ્યા મુજબ, તેઓ છેલ્લાં દોઢ મહિનાથી અહીં ઈન્સુયેલશનનું કામ કરી રહ્યાં હતા. આજે સવારે તેઓ સાડા 9 વાગ્યે અહીં આવ્યા હતા.’

લગભગ 500 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યાઃ મેયર
પુણેના મેયર મુરલીધર મોહોલે આ વાતની પુષ્ટિ કરી છે. મેયરે જણાવ્યું કે- ‘આગ પછી 500 લોકોને પ્લાન્ટમાંથી રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. આ પ્લાન્ટ પાંચ વર્ષ પહેલા બનવાનો શરૂ થયો હતો અને હજુ પણ તેમાં અનેક કામ ચાલી રહ્યાં છે. આગની કારણે હજુ સ્પષ્ટ નથી કે, પરંતુ માનવામાં આવે છે કે વેલ્ડિંગ દરમિયાન થયેલા શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોય શકે છે.’
મૃતકોના પરિવારને 25-25 લાખ રૂપિયાની સહાય કરશે સીરમ ઈન્સ્ટીટ્યૂટ
મજૂરોના મોત પછી સાંજે 8 વાગ્યાની આસપાસ ઉપમુખ્યમંત્રી અજીત પવાર પણ ઘટનાસ્થળે પહોંચ્યા. મજૂરોના મોત પર દુઃખ વ્યક્ત કરતા સીરમ ઈન્સ્ટીટ્યૂટના CEO અદર પૂનાવાલાએ પણ પરિવારના લોકોને 25-25 લાખ સહાય આપવાની જાહેરાત કરી છે.