



ભુજની ભાગોળે હરિપરમાં રહેતા ગરીબ પરિવારના આયશાબેને રામ મંદિર નિર્માણમાં દાન આપ્યું.
- ભુજની ભાગોળે હરિપરમાં નિધિ એકત્ર કરવા નીકળેલા સ્વયંસેવકોને થયો રોમાંચક અનુભવ
- ગરીબ કોલી પરિવારે રામભક્તિરૂપે જણદીઠ નામ લખાવીને 800 રૂપિયાનો ફાળો આપ્યો
અયોધ્યામાં આકાર લેનારા વિશાળ રામ મંદિર માટે કચ્છભરમાં નિધિ એકત્રિકરણ ચાલી રહ્યું છે, જેમાં ધનિકોએ લાખો કે કરોડો રૂપિયાનું છૂટા હાથે દાન આપ્યું છે તે સમજી શકાય તેમ છે પણ ભુજની ભાગોળે હરિપરમાં રહેતા ગરીબ પરિવારે ફૂલ નહીં તો ફૂલની પાંદડી રૂપે નિધિ નોંધાવતાં તેમના ઝૂંપડે પહોંચેલા રામસેવકો ગદગદ થઇ ગયા હતા. ફાળો લેવા આવેલા સ્વયંસેવકોને આવકારતાં એક વૃદ્ધાએ ‘શબરીની જેમ હું તમારી રાહ જોતી હતી’ તેમ કહીને રામભક્તિની અનેરી લાગણી વ્યક્ત કરી હતી.
હરીપર ગામમાં સ્વયં સેવકો ઘરે-ઘરે રામ મંદિર નિર્માણ માટે નિધિ એકત્રીકરણ કરી રહ્યા હતા, સાંજ પડતાં ટીમમમાં જોતરાયેલા સભ્યોએ કહ્યું કે ગામના તમામ ઘરનો સમાવેશ થઈ ગયો છે. તેવામાં છેવાડે એક મસ્જિદની બાજુમાં બે ઝુંપડા નજરે પડ્યા ત્યાં જય શ્રી રામ કહેતાની સાથે જ એક વયોવૃદ્ધ માતા જય શ્રી રામ બોલ્યા અને કહ્યું કે જેમ શબરી રામની રાહ જોતા હતા એવી રીતે હું રામ ભક્તોની રાહ જોઈ રહી હતી. આયશાબેન નામના આ વૃદ્ધાને રામમંદિર નિર્માણ અંગેની વિગતે વાત કરી ત્યારે એમના ચહેરા પર જે ખુશી છવાઇ ગઇ હતી. તેમણે ‘અમારા ઘર સુધી કોઈ મંદિર માટે દાન લેવા માટે આવ્યા હોય તેવા તમો પહેલા છો, અમને આનંદ એ વાતનો છે કે તમોએ અમને તમારા માન્યા છે’ તેમ કહીને જાણે ધન્યતા અનુુભવી હતી. ‘હિન્દુ ધર્મ વિશે આટલા જાણકાર છો તો પછી આ ઈસ્લામિક નામ કેમ’ ? તેવું પૂછતાં તેમણે પૂર્વજોએ ભૂલ કરી છે એમનો અમને રજં છે તેવો પ્રત્યુત્તર આપ્યો હતો.
વાતોના દોર બાદ વૃધ્ધાને નિધિ લખાવવા જણાવાયું તો તેના ઘરમાં જેટલા સભ્યો હતા એ રઘુ જુસબ કોલી, વાલજી જુસબ કોલી, કલ્પેશ ઈબ્રાહિમ કોલી, આયશા ઈબ્રાહિમ કોલી એમ બધાના નામે જણદીઠ 200 રૂપિયા લખાવ્યા. આ તકે તેમને પૂછાયું કે ઘર એક છે તો એક સાથે જ લખાવોને ! તો એમનો જવાબ પણ રોમાંચિત કરનારો હતો . તેમણે કહ્યું કે અમે તો તમારી સાથે આજ દિન સુધી ન જોડાઇ શક્યા પરંતુ બાળકો હિન્દુ ધર્મ સાથે જોડાયેલા રહે અને ભગવાન રામ પ્રત્યે એમનો ભાવ જોડાય એ મહત્વનું છે. વયોવૃદ્ધના શબ્દો સાંભળી નિધિ એકત્ર કરવા નીકળેલા સ્વયંસેવકો રોમાંચિત થઈ ગયા હતા તેમ સ્વયંસેવક હિતેશ વાળાએ જણાવ્યું હતું.