



દિવ્યાંગ મિસ્ત્રી,નેત્રંગ : સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. નેત્રંગ તાલુકામાં ત્રિપાંખિયો જંગ હોવાથી ત્રણેય રાજકીય પક્ષોના ઉમેદવારો જીત હાંસલ કરવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. શાંતિપુર્ણ માહોલમાં ચુંટણી સંપન્ન કરાવા માટે પોલીસતંત્ર ધ્વારા પણ નેત્રંગ તાલુકાના ગામોમાં ફ્લેગમાર્ચ કરવામાં આવી હતી, અને જવાબદાર અધિકારીઓ પણ ચુંટણીની કામગીરીને આખરીઓપ આપી રહ્યા છે.
જેમાં નેત્રંગ ખાતે જીલ્લા શિક્ષણાધિકારી ભરૂચ દ્વારા મતદાન જાગૃતિ અંગે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. નેત્રંગ ભક્ત હાઈસ્કૂલ અને પ્રાથમિક શાળાના શિક્ષક અને ગ્રામજનો જોડાયા હતા.
વિવિધ સ્લોગન અને મતદાન જાગૃતિના સૂત્રોચ્ચાર સાથે સમગ્ર નેત્રંગમાં રેલી લઈ જવામાં આવી હતી. મતદાન સે દેશ બને સશક્ત, કરો મતદાન, રચો સરકાર, યુવાન, યુવતી ને વૃદ્ધ –સૌ કરે મતદાન જેવા અનેક સૂત્રો સાથે મતદાન અંગે લોકોને જાગ્રત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
આ રેલીમાં ૮૦ જેટલી બાઇક સાથે ૧૦૦ થી વધારે શિક્ષકો જોડાયા હતા. આ રેલીના શુભારંભ પ્રસંગે આયોજક ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી એન એમ મહેતા સાહેબ, નેત્રંગ મામલતદાર એલ.આર ચૌધરી સાહેબ, કેળવણી નિરીક્ષક દિવ્યેશભાઇ પરમાર તથા અન્ય અગ્રગણ્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.